વાંચવા જેવુ -વિનોદ ભટ્ટ 10/26/10

અમેરિકામાં ડ્રાઇવિંગ કેટલું સહેલું છે એ સમજાવું. યાર્ડવિલ્ડ, ન્યુ જર્સીથી વૉશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ જવું હોય તો મારા ઘર પાસેથી 95 સાઉથ લો. ચાર કલાક પછી 495 ઇસ્ટ મળશે. એના ...


અમેરિકામાં ડ્રાઇવિંગ કેટલું સહેલું છે એ સમજાવું. યાર્ડવિલ્ડ, ન્યુ જર્સીથી વૉશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ જવું હોય તો મારા ઘર પાસેથી 95 સાઉથ લો. ચાર કલાક પછી 495 ઇસ્ટ મળશે. એના પરથી 295 સાઉથ અને એના પર દસ મિનિટ પછી ટાઉટ 50 મળશે એ પેન્સિલ્વેનિયા એવન્યુને મળે છે, જેના પર વ્હાઇટ હાઉસ આવ્યું.’ આપણા ગુજરાતી અમેરિકન હાસ્યલેખક ભાઇ હરનિશ જાનીએ એમના તાજા હાસ્યસંગ્રહ સુશીલામાં વાહનચાલકો માટે સરળ માર્ગદર્શન આ રીતે આપ્યું છે.

હરનિશ છેલ્લાં 40 વર્ષથી અમેરિકા ખાતે વસવાટ કરે છે, પણ સપનાં તો એમને ગુજરાતીમાં જ આવે છે. છીંક, ઉધરસ ને બગાસું પણ એમની ગળથુથીની ભાષા ગુજરાતીમાં આવે છે. અમેરિકા એમની ગુજરાતીતાને વટલાવી શક્યું નથી એ આપણને આ પુસ્તક વાંચતાં સમજાય છે.

એમની પાસે ઝીણું જોવાની આંખ છે. અમદાવાદ વિશે એ નોંધે છે : ‘અમદાવાદમાં બે સ્થળ વચ્ચેનું અંતર પૈસામાં દર્શાવાય છે. તમારે અમારે ત્યાં આવવું હોય તો તમારે ત્યાંથી પચાસ રૂપિયાની રિક્ષા પડશે… જ્યારે અમેરિકામાં અંતર સમયમાં ગણાય છે. તમારાથી અમે એક કલાક દૂર છીએ. મજાની વાત એ છે કે કોઇને અંતર કેટલા કિલોમીટરનું છે એની ખબર નથી.’

અહીંથી અમેરિકા જઇ ત્યાં સ્થાયી થયેલાં પતિ-પત્ની ક્યારેક ત્યાંના રંગે રંગાઇ જાય છે. આવા એક મિત્ર શાહ અને મિસિસ શાહ લેખકને જણાવે છે કે અમે જુદી જુદી રૂમમાં સૂઇ જઇએ છીએ. અમે ડિનર લેવા બહાર છૂટા છૂટા જઇએ છીએ. અરે, અમે વેકેશન પણ જુદાં જુદાં લઇએ છીએ. અમે અમારું લગ્નજીવન ટકાવવા બધું કરી છૂટવા તૈયાર છીએ…

વાચકોને હસાવી નાખવાની સભાનતા લેખકમાં નથી એ એમની કલમનું જમાપાસું છે. આ કારણે એ કશા જ આયાસ વગર, વાતચીતની બાનીમાં સહજભાવે હાસ્ય રેલાવી શકે છે. એમનો પહેલો સંગ્રહ સુઘન પ્રગટ કરતી વખતે પ્રકાશક રઘુવીર ચૌધરીએ એમને માહિતી તેમ જ જ્ઞાનથી એક સાથે પ્રકાશિત કરતાં જણાવ્યું કે તમે લખી છે એને સાહિત્યમાં હાસ્યરચનાઓ કહેવાય. પ્રકાશકનું આ જ તો કામ છે, લેખકના અજ્ઞાનને ઉલેચવાનું. રઘુવીર તો વિવેચક પણ છે, જેમણે ગુજરાતી સાહિત્યને એક સારો હાસ્યકાર શોધી આપવાનું કોલમ્બસ કાર્ય કર્યું. આ પુસ્તક સુઘનને ગુજરાત સાહિત્ય અકાદમીએ પુરસ્કાર આપી પોંખ્યું પણ છે.

બીજું પુસ્તક પ્રકાશિત થયું, જેના પૂંઠા પર હરનિશે પુસ્તકના નામ સુશીલાની નીચે લખી દીધું છે : હાસ્યરચનાઓ તો પણ આ લેખક વિનમ્ર હોવાને લીધે શ્રેષ્ઠ હાસ્યરચનાઓ નથી લખ્યું. બાકી, આપણે ત્યાં તો પોતાની રચનાઓને સ્વાવલંબનના ભાગ રૂપે શ્રેષ્ઠ કહેવાનો રિવાજ છે.

આ લેખકના હાસ્યમાં ડંખ કે દ્વેષ નથી કે ક્યાંય છીછરાપણું પણ જણાતું નથી. હસતાં સાચું કહી દેવાનું આ લખનારના સ્વભાવમાં છે. જે લેબોરેટરીમાં એ સિનિયર કેમિસ્ટનો હોદો ભોગવતા એ લેબોરેટરીના કર્મચારીઓ વિશે એ લખે છે : ‘હા, આ ગાળામાં લેબોરેટરીનું કામકાજ તો ઓપરેટરો કર્યા કરે. પદવી જેટલી નાની કામ એટલું વધુ. પદવી જેટલી મોટી કામ એટલું ઓછું. શર્ટ પર વ્યક્તિનું નામ લખ્યું હોય એ અહીં હાથ વડે કામ કરે છે. ઓફિસના બારણા પર વ્યક્તિનું નામ લખ્યું હોય તો એ મગજથી કામ કરે છે અને જેનું નામ ઓફિસના બિલ્ડિંગ પર લખ્યું હોય તો એ માલિક છે અને એણે તન-મન-ધનથી કામ કરવું પડે છે. કોઇ ઓફિસમાં પાંચ વાગ્યા પછી ફોન કરો અને જો કોઇ જવાબ આપે તો જાણવું કે એ બિચારો કંપનીનો માલિક છે.’

જ્યાં એ હર્યા-ફર્યા છે ત્યાંની વાતો હળવાફુલ થઇને મોજથી કરે છે. લંડનની વાત આ શૈલીમાં કરે છે : ‘ગુજરાતી ભાષા લંડનમાં બધે બોલાય છે. સાહેબ, આ ઘડિયાળ લઇ લો… બોલતો ફેરિયો તમે જુઓ તો તમે રાજાબાઇ ટાવર પાસે મુંબઇમાં નહીં, પરંતુ બિગબેન ટાવર નીચે લંડનમાં છો એમ માની લેવું. જે ભગવાનનાં દર્શન કરવાની ઇચ્છા થાય એ બધા જ ભગવાન લંડનમાં વસ્યા છે. મંદિરો જોતાં લંડન કાશી જેવું લાગે. ફક્ત થેમ્સ રિવર પર કોઇ ચિતા સળગતી જોવા ન મળે. થેમ્સ કંઇ ગંગા જેટલી પવિત્ર થોડી છે ?’

હવે આ માણો…

ઇંગ્લેન્ડમાં રૉયલ ફેમિલીને માટે જ સો જેટલા મેગેઝિન બહાર પડે છે. પોતે કોના પ્રેમમાં છે એ તો એ એકાદ ટેબ્લોઇડમાં વાંચી લે તોય એને ખબર પડી જાય. પોતાનો પતિ પ્રિન્સ ચાર્લ્સ પોતાને પ્રેમ નથી કરતો એ પણ પ્રિન્સેસે પેપરમાં જ વાંચ્યું હશે. હવે એ લોકો આત્મકથા લખે તોય એમાં શું લખે ? જો પ્રિન્સ ચાર્લ્સ મને પૂછે કે તારે મારી આત્મકથામાં શું વાંચવું છે ? તો કહે કે ભલા માણસ, મારે એ જાણવું છે કે પરી જેવી રૂપાળી પત્નીને પડતી મૂકી અને જેમાં દુનિયાના કોઇ પુરુષને રસ ન પડે એવી પ્રિયતમા ક્યાંથી ગોતી કાઢી ? એના પર એક ચેપ્ટર લખ. ઇતિહાસ જોઇએ તો લાગે કે ઇંગ્લેન્ડના રાજાઓને સૌંદર્યમાં કાંઇ સમજ નથી પડતી.

બીજાઓની મજાક-મશ્કરી કે ટીખળ કરવાને બદલે પોતાની જાત પર હસવું લેખકને વિશેષ ગમે છે, જે આમ તો અઘરું છે. એ નોંધે છે : ‘મારા પુસ્તક સુઘનના પ્રકાશકે મને ફોન કર્યો : હરનિશભાઇ, તમારું પુસ્તક બહુ પાતળું લાગે છે. બીજી ત્રણ વાર્તા મોકલો તો પુસ્તક દળદાર લાગે.’ મેં કહ્યું : ‘બધાને તમારા જેવો પ્રકાશક મળે. તમે લેખકની જ ચિંતા નથી કરતા, તમને પસ્તીવાળાની પણ ચિંતા છે…’

પુસ્તકનું નામ સુશીલા જ સુચવે છે કે લેખક કેટલા સંવેદનશીલ છે. આ ટાઇટલનો ખુલાસો એમણે પ્રસ્તાવનામાં કર્યો છે. લેખક પાસે પોતીકી શૈલી છે. કુમારના તંત્રી ડૉ. ધીરુ પરીખના શબ્દોમાં કહીએ તો આ હરનિશ બ્રાન્ડ હાસ્યરચનાઓ છે. હરનિશને દિલી અભિનંદન.

-વિનોદ ભટ્ટ


You can leave a response, or trackback from your own site.

3 Responses to this article

 
અલકેશ October 27, 2010 Reply

મઝ્ઝા આવી ગઈ … હરનિશભાઈની શૈલી વિશે વિનોદ ભટ્ટની શૈલી વાંચવાની…

 
Yogesh Bhatt October 27, 2010 Reply

હું શ્રી વિનોદ ભટ્ટ નો વર્ષોથી ચાહક છુ. દિવ્ય ભાસ્કર અને ચિત્રલેખા મા આપના બધા જ લેખ હું વાંચુ છુ. ખરેખર ખુબ જ સરસ શૈલી છે. મઝા આવી વાંચવાની.

 
Navin Banker October 28, 2010 Reply

શ્રી. હરનીશ જાનીને બે-ત્રણ વખત મળવાનું થયુ છે.હ્યુસ્ટન સાહિત્ય સરિતાની મીટીંગમાં પણ તેઓશ્રીએ હાજરી આપીને અમને હસાવ્યા છે.ન્યુ જર્સીમા પણ મળ્યા છે. મઝાના માણસ છે.હાસ્યલેખક તરીકે તેમણે સારુ કાઠુ કાઢ્યુ છે. વિનોદ ભટ્ટ તો મારા વર્ષોના જુના મિત્ર છે.અમદાવાદમા જઈએ ત્યારે અચુક મળવાનુ થાય-મોટાભાગે કોઇ સાહિત્યકારના કે નાટ્ય-કલાકારના બેસણામા.એમની ઘણીબધી ક્રુતિઓ અવારનવાર વાંચવા મળે છે.

નવીન બેન્કર
૨૮ ઓક્ટોબર ૨૦૧૦

Leave a Reply

close comment popup

Leave A Reply

Copyright | Disclaimer

Developed by Soft 'N' Web

Powered By Indic IME