ઇન્કાર – સગુણા દવે 10/20/11
પ્રેમ એ દરેક મનુષ્યનો પ્રકૃતિગત સ્વભાવ છે. ક્રિષ્ના કોલેજકાળમાં હતી. તે અત્યંત સ્વરૂપવાન નહીં. પણ છતાં દેખાવમાં નાજુક-નમણી અને મોહક હતી લાંબા ઘટાદાર વાંકડીયા વાળ અને બોલવા-ચાલવામાં એકદમ નમ્ર. કોલેજની ...
પ્રેમ એ દરેક મનુષ્યનો પ્રકૃતિગત સ્વભાવ છે.
ક્રિષ્ના કોલેજકાળમાં હતી. તે અત્યંત સ્વરૂપવાન નહીં. પણ છતાં દેખાવમાં નાજુક-નમણી અને મોહક હતી લાંબા ઘટાદાર વાંકડીયા વાળ અને બોલવા-ચાલવામાં એકદમ નમ્ર. કોલેજની દરેક પ્રવૃતિમાં ભાગ લે અને એકાદ પારિતોષિકની વિજેતા તો અચૂક ઠરે. છતાં તેનામાં કોઇ જાતનું અભિમાન નહીં. એનું વ્યક્તિત્વ જ એવું કે કોલેજનો કોઇ યુવક તેની પાસે એલફેલ બોલવાની હિંમત ન કરે. આખી કોલેજમાં લગભગ દરેક જણ તેને ઓળખે. પોતાના વર્ગમાં કોઇ ગ્રુપમાં ઝઘડા થયા હોય તો એ ગ્રુપમાં બધા વચ્ચે સમાધાન કરાવીને જ જંપે. હંમેશાં તેના મોઢે એક જ સૂત્ર હોય કે ત્રણ વર્ષ તો સાથે રહેવાનું છે. આ બધા રંગીન દિવસો ક્યાંય વીતી જશે ! શું કામ તમારા સંભારણામાં આ કડવાશને ધૂંટ્યા કરો છો ? યાર, મીઠી-મીઠી યાદો લઇને છૂટા પડો ને ! પાંચ-સાત વર્ષ પછી તો તમારી આંગળીએ તમારા બચ્ચુને લઇને આ કોલેજ પાસેથી નીકળશો ત્યારે શું આ બધા ઝઘડાની વાતો યાદ કરવી છે ? અરે, જીવનમાં એવું કંઇક કરો ને કે ગર્વથી તમે તમારા સંતાનને કહી શકો કે આ કોલેજમાં મેં આમ કર્યું હતું અને મેં તેમ કર્યું હતું. આ આસોપાલવના ઝાડ નીચે અમારું ગ્રુપ આવી-તેવી મજા કરતું હતું…. અને વાતાવરણ એકદમ હલકું થઇ જાય. દરેક જણને લાગે કે ક્રિષ્ના અમારા જ ગ્રુપની છે.
ક્રિષ્નાના આવા વ્યક્તિત્વથી અંજાઇ જઇને પ્રતીકે મનોમન પોતાના દિલમાં તેની સ્થાપના કરી દીધી. તેની દરેક હિલચાલને અત્યંત બારીકાઇથી નિહાળતો. તેના ભલા-ભોળા સ્વભાવ પર ક્યારેક ગુસ્સો પણ કરતો.
ક્રિષ્ના ક્યારેક કોઇની ટીકા-ટીપ્પણીનો જવાબ જ ના આપે. તે એકદમ મસ્તરામ. તેની એક જ ફિલોસોફી કે સમય સૌને જવાબ આપશે આપણે નહીં આપવાનો. પ્રતીક હંમેશા ગુસ્સો કરે. તારા મોઢામાં જીભ નથી ? હું તો એવો સનસનતો જવાબ આપું કે…
ક્રિષ્ના સમજાવે : જો પ્રતીક, આવી નાની નાની વાતોને લક્ષમાં નહીં લેવાની. દુનિયામાં એવી કેટલીય વ્યક્તિ હોય, જે આપણને ગમતી ન પણ હોય. એ જ રીતે હું પણ કોઇને ન ગમતી હોઉં. મારામાં પણ અનેક દોષ હોઇ શકે. આપણે દરેક ટીકાનો જવાબ આપીએ તો આપણામાં અને સામેની વ્યક્તિમાં શો ફર્ક ? સત્ય હંમેશા સત્ય રહેવાનું છે. તેને કોઇ રૂપકડા પહેરવેશની જરૂર નથી.
ક્યારેક કોઇ વચ્ચે ઝઘડા થાય અને ક્રિષ્નાને ખબર પડે તો તે તરત સમાધાન કરાવવા માટે તૈયાર જ હોય. અને પ્રતીકને ખબર પડે કે ક્રિષ્નાએ સમાધાન કરાવ્યું તો તે ઉકળી ઉઠે:
‘તને બધા વચ્ચે સમાધાન કરાવવાની શી જરૂર છે, મરવા દે જેને જે કરવું હોય તે કરવા દે ને. દયાળુ દેવી થઇને ફરવાની જરૂર નથી.
ક્રિષ્ના ભડકી જતી : ‘મને ઝઘડાળું વાતાવરણ પસંદ નથી. ચારેબાજુ વસંતોત્સવ જેવું વાતાવરણ હોવું જોઇએ. ગુલમહોર જ્યારે ફૂલોથી લચી પડતો હોય ત્યારે કેટલો સુંદર લાગે છે ? તું એકલપટ્ટો છે. મને કટુતા નહીં. કિલ્લોલ પસંદ છે. એટલે જ વૃક્ષારોપણના કાર્યક્રમમાં તે લીમડો પસંદ કર્યો અને મેં ગુલમહોર પસંદ કર્યો હતો.’ આમ ક્રિષ્ના અને પ્રતીકના આ મીઠા ઝઘડાથી સહાધ્યાયીઓ તો પરિચિત હતા પરંતુ પ્રોફેસર્સ પણ ક્યારેક મજાકમાં કહેતાં કે આ કુત્તા-બિલ્લીના ઝઘડાનો ક્યારેય અંત નથી આવવાનો.
પ્રતીકના ગ્રુપમાં બધા ક્રિષ્નાનું નામ લઇને તેને ચીડવતા અંદરખાને પ્રતીકને તે ગમતું પરંતુ તે વિચારતો કે કાશ. મારા મનની વાત ક્રિષ્ના સમજી શકે યા તો મારા મનની વાત તેના સુધી પહોંચાડે. પરંતુ કોઇની હિંમત નહોતી કે ક્રિષ્નાને આ વાત કહી શકે. ધીમે ધીમે ક્રિષ્નાની બેસ્ટ ફ્રેન્ડ ઉજાલા સુધી આ વાત પહોંચી. ઉજાલાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે ક્રિષ્ના કોઇના પ્રેમમાં પડે એવી નથી. તેથી હું તેની સાથેનો સંબંધ હું બગાડવા માંગતી નથી.
કોલેજના બે વર્ષ સુધી પ્રતીક એકતરફી પ્રેમમાં ઝૂરતો રહ્યો. આખરે તેણે મનોમન નક્કી કર્યું કે મારે મારા મનની વાત ક્રિષ્નાને પ્રત્યક્ષ કહી દેવી જોઇએ. તે મોકો શોધતો રહ્યો. અને એક દિવસ અચાનક તેને મોકો મળી ગયો. સાહિત્ય પરિષદની સ્પર્ધા માટેની તૈયારી કરવાની હતી તેથી તે વહેલી આવી અને તેની સ્કુટી પાર્ક કરતી હતી કે બરાબર તે જ સમયે પ્રતીક બાઇક પાર્ક કરવા ત્યાં પહોંચ્યો. લાઇટ પિન્ક કલરના ડ્રેસમાં તેનું સૌંદર્ય વધુ નીખરી રહ્યું હતું. ગુડમોર્નિંગ. હાઇ હેલ્લો થયું. પ્રતીકે વહેલા આવવાનું કારણ પૂછ્યું. ક્રિષ્નાએ સાહિત્ય પરિષદનું કામ હોવાનું જણાવ્યું. અને ખલાસ. પ્રતીક ભડકી ગયો. શું જરૂર છે સમાજસેવાનો ઝંડો લઇને ફરવાની ? બીજા બધા પણ છે ને કામ કરવા માટે ? તું જ શું કામ આગળ પડીને બધું કરે છે ? દરેક વાતમાં કેમ આટલી ભોળી બને છે ? તું મેચ્યોર કેમ થતી નથી ? નાના બચ્ચા જેવી કેમ રહે છે ? ઘણું ઘણું સાંભળ્યા પછી ક્રિષ્ના પણ છંછેડાઇ ગઇ. ‘હમ તો ભૈ જૈસે હૈ, વૈસે હી રહેંગે…’ તને શું લાગે-વળગે છે ? તું મને હંમેશા શા માટે રોક-ટોક ક્યાં કરે છે ? તું મને રોકવાવાળો કોણ ? ક્રિષ્ના જ્યારે પણ ગુસ્સે થતી ત્યારે ધાણી ફૂટે તેમ ફટાફટ બોલતી અને પ્રતીકના મુખેથી સહજ નીકળી ગયું : એ જ તો તું સમજતી નથી કે તને રોકવાવાળો હું કોણ !
સમજદાર કો ઇશારા કાફી હોતા હૈ… ક્રિષ્ના પ્રતીકના કહેવાનો અર્થ સમજી ગઇ. થોડીવારના સન્નાટા પછી તે માત્ર એટલું જ બોલી પ્રતીક તે રોંગ નંબર ડાયલ કર્યો છે. અને તે ધીમા પણ મક્કમ ડગ ભરતી ચાલી ગઇ. પ્રતીક તેને નિહાળતો ત્યાં જ ઉભો રહ્યો.
હંમેશા ધમાલ-મસ્તી કરતી, સદાય હસતી ક્રિષ્ના આજ ધીર-ગંભીર લાગી. બધાને બહુ જ નવાઇ લાગી કે આજે એવું શું બન્યું છે કે પતંગિયા જેવી ક્રિષ્ના આજ એકદમ ચૂપચાપ છે. બધાએ તેને સીધી રીતે આડકતરી રીતે પૂછવા પ્રયાસ કર્યો કે શું થયું છે ? પણ બધાની વાત હસીને ઉડાવી દેતી હતી. તેણે માત્ર દિલનો બોજો હળવો કરવા તેની ફ્રેન્ડ ઉજાલાને આ વાત કહી અને વિનંતી કરી કે તું આ વાત કોઇને કહીશ નહીં. કારણ કે હું નથી ઇચ્છતી કે આ વાત આગળ વધે. મારું અને પ્રતીકનું નામ જોડીને કોઇ એલફેલ વાત કરે તે મને મંજુર નથી. વળી તે જેન્ટલમેન છે તેની બદનામી થાય એવું પણ હું કંઇ ઇચ્છતી નથી. થોડીવાર તો ઉજાલા પણ અચંબામાં પડી ગઇ કે તે જેન્ટલમેન છે તેમ કહેવા પાછળ ક્રિષ્નાનો ઉદ્દેશ શું છે ? આ ક્રિષ્ના જ બોલી રહી છે કે ક્રિષ્નાનું ભૂત ? પરંતુ ક્રિષ્ના આગળ બોલી : પ્રેમને હું ચારિત્ર્યહીનતા માનતી નથી. પ્રેમ એ દરેક મનુષ્યની પ્રકૃતિગત સ્વભાવ છે તે સાંભળીને ઉજાલાને પોતાની ફ્રેન્ડના ઉમદા વિચારો માટે ગૌરવ થયું તેણે પણ મોકો જોઇને ક્રિષ્નાને કહી દીધું કે તારું નામ લઇને આ બધા ક્યારના તને ચીડવે છે.
બીજીબાજુ પ્રતીક આખો દિવસ સવારની વાતનો પ્રત્યાઘાત ક્રિષ્નાની આંખમાં શોધવા મથી રહ્યો. તે પણ ઉલ્ઝનમાં હતો કે મારાથી આ બોલાઇ ગયું તે સારું થયું કે ખોટું ? શું ક્રિષ્ના મને ચાહતી હશે ? તેની ‘ના’ માં ‘હાં’ તો નહીં હોય ને ? કે પછી હું ક્યાંક તેની દોસ્તી હંમેશ માટે તો નહીં ગુમાવી દઉંને ?
ઘરે ગયા પછી પણ ક્રિષ્ના વિચારતી રહી કે કેટલાક યુવાનો એવા કેમ હોય છે કે કોઇ પણ યુવતીનું હસવું-બોલવું. નિખાલસતા આ બધાને તેઓ પ્રેમમાં જ મૂલવે છે. પ્રેમ તો દરેક સંબંધમાં હોય છે પણ તેને ‘પ્રેમી’ નું જ લેબલ મારવું જરૂરી છે ? શું યુવક-યુવતી વચ્ચે દોસ્તીનો સ્વાભાવિક સંબંધ ન હોઇ શકે ? આક્રમક સ્વભાવની ક્રિષ્નાએ મનોમન કંઇક નિર્ધાર કર્યો અને તે પથારીમાં પડી પડી કંઇક વિચાર કરતા કરતા જ નિંદ્રાધીન થઇ ગઇ.
બીજા દિવસે ક્રિષ્નાએ સ્કુટી પાર્ક કરી અને તે ત્યાં પ્રતીકની રાહ જોવા લાગી. પ્રતીક પણ ક્રિષ્નાને મળવા અધીર હતો. ક્રિષ્નાને દૂરથી જોતા જ તેના મનમાં ઝણઝણાટી થઇ આવી. ફરી એ જ ગુડ મોર્નિંગ… શું વાત છે ? આજ તો સવાર સવારમાં પહેલા દર્શન થયા ને હું ધન્ય થઇ ગયો… ક્રિષ્ના સીધી જ પોતાની વાત પર આવી ગઇ : જો પ્રતીક, ગઇકાલે તે જે કંઇ કહ્યું તે મને એક રીતે ગમ્યું. ‘ગમવા’ નો અર્થ તું તારી રીતે ન કરતો. મારા કહેવાનો મતલબ એ છે કે પરોક્ષ રીતે. લફંગાવેડા કરીને, ચિઠ્ઠી પાઠવીને પ્રેમ રજૂ કરવાની રીત મને બિલકુલ પસંદ નથી. તે જ રીતે તારો પ્રેમ દર્શાવ્યો તે મને ગમ્યું. પણ મારી વાત કરું તો મને તારા પ્રત્યે આવી કોઇ લાગણી હતી નહીં, છે નહીં અને થશે પણ નહીં. મારો અહર્નિશ પ્રેમ ભવિષ્યમાં જે મારો પતિ થશે તેના પર જ ઢોળાશે. હું તેને એટલો પ્રેમ કરીશ કે બસ, જેનો કોઇ અંત જ નહીં હોય. અને તેથી હું નથી ઇચ્છતી કે મારો પ્રેમ અત્યારથી વહેંચાઇ જાય. હું તો એક વાદળી જેવી છું, હંમેશ વરસતી જ રહું. વેરાન રણ હોય, નદી, સરોવર કે પથ્થર પણ હોય. પ્રતીક, શું એવું ન બની શકે કે આપણે હંમેશ માટે એક માત્ર એક સારા દોસ્ત બની રહીએ ? આપણા વિચારોનું આદાન-પ્રદાન થાય. આપણા શોખની આપણા સુખ-દુ:ખની વાતો કરીએ. ભવિષ્યના આપણા સ્વપ્નની વાતો આપણે સાથે મળીને કરીએ. શું આ માટે આપણે પ્રેમી હોવું જ જરૂરી છે ? હું જાણતી નથી કે તને મારી આ વાત ગમશે કે નહીં ગમે. પરંતુ આ મારા પોતાના વિચારો છે અને તે અફર છે. મને તારા માટે હંમેશ માન છે અને રહેશે. હું માનું છું કે તું એવી કોઇ પ્રતિક્ષા નહીં કરે કે ક્યારેક ને ક્યારેક ક્રિષ્નાનું દિલ પીગળશે. ક્રિષ્નાને મારા પ્રત્યે પ્રેમ જાગશે. કોલેજમાં કે ક્લાસમાં તારા-મારા નામની કોઇ ચર્ચા ન થાય એ માટે હું મારા તરફથી તો આ બધી વાત કોઇને કરીશ નહીં. બીજું, તું મને હંમેશા સુધરવાની સલાહ આપે છે, પણ જેને માટે માન હોય, સ્નેહ હોય તેને સુધારવાને બદલે સ્વીકારી લેવા જોઇએ જેવા હોય તેવા. ઓકે… હેવ એ ગુડ ડે… ફરી એ જ મક્કમ, નફિકરા ડગલે તે ક્લાસરૂમ તરફ ચાલી ગઇ. પ્રતીક થોડીવાર માટે દિગમૂઢ બની ગયો. ક્લાસમાં જવું કે ન જવું તેની અવઢવમાં પડી ગયો. થોડી ક્ષણ પછી તે પણ ક્લાસરૂમ તરફ ચાલ્યો. ઇચ્છવા છતાં પણ પ્રતીકના મનનો બોજ આજ હલકો થતો નહોતો તો બીજી બાજુ ક્રિષ્ના આજ એકદમ હળવીફુલ થઇ ગઇ હતી. ક્રિષ્નાએ પ્રતીકને જેવો માન્યો હતો પ્રતીક બરાબર એવો જ જેન્ટલમેન હતો તેના સ્વભાવમાં કોઇ જિદ, ઉચ્છાછલાપણું, ચારિત્ર્યહિનતા જેવું કંઇ જ નહોતું. તે ખૂબ ધીર-ગંભીર, શાંત-સમજદાર પ્રકૃતિનો હતો. ક્રિષ્નાની વાતોએ તેને વિચલીત જરૂર કરી નાખ્યો હતો. ક્રિષ્નાની એક એક ખાસિયતો જાણે આજે તેના માનસપટ પર ચલચિત્રની જેમ ઉપસી રહી. કોઇનું અપમાન ન કરવું, નાના-મોટા દરેકનું સન્માન આપવું, કોઇના દુ:ખમાં સહભાગી થવું, કોઇની ટીકાનો ક્યારેય પ્રત્યુત્તર ન આપવો. જ્યાં પણ તેની હાજરી હોય ત્યાં વાતાવરણ મહેંકી ઉઠતું. તેની મિત્રતાથી કેટલા ફ્રેન્ડના વર્તનમાં જાણે-અજાણે સુધારો થયો હતો. બીજી બાજુ ક્રિષ્નાની વાત તેના હૃદયને સ્પર્શી પણ ગઇ હતી. થોડીવાર તેને થતું કે મેં મારી ભાવના વ્યક્ત કરી છે તેમાં ખોટું શું છે પણ આખરે દિમાગ પાસે દિલ હારી ગયું. ક્રિષ્નાની વાત બરાબર છે. દરેક સંબંધમાં પ્રેમ તો હોય જ છે પરંતુ તેને ‘પ્રેમી’ તરીકે મૂલવવો યોગ્ય નથી. તેને એ પણ વિચાર આવ્યો કે બીજી કોઇ યુવતી હોત તો મારું અપમાન કરી શકી હોત, મને તમાચો મારી શકી હોત, મને ભારોભાર નફરત કરી શકી હોત, બીજાની નજરમાં હું ઉતરી જાઉં તેવી વાતો કરી શકી હોત તેના બદલે ક્રિષ્નાએ આ વાતને કેટલી સ્વાભાવિકતાથી સ્વીકારી અને પોતાના વિચારો રજૂ કર્યાં. તેના મનમાં બિરાજેલી ક્રિષ્નાની મૂર્તિને તે સન્માનથી વંદી રહ્યો. તો ફરી કદી ક્રિષ્નાએ ન તો એ વાત ઉચ્ચારી કે ના તો કદી પ્રતીકે એવો કોઇ વ્યવહાર કર્યો. બંને વચ્ચે કોઇ ‘સોરી’ ની આપ-લે પણ ન થઇ છતાં ક્રિષ્ના અને પ્રતીક વચ્ચે એક નિર્દોષ દોસ્તીનો મહેલ અકબંધ-અડીખમ ઉભો રહ્યો.
* * * * *
ક્રિષ્નાના લગ્ન તેની જ જ્ઞાતિના યુવક મુંજાલ સાથે નક્કી થયા. હાલમાં તે એમ.બી.એ. થઇને એક મોટી અને પ્રતિષ્ઠિત કંપનીમાં સારી પોસ્ટ પર હતી. તેનો પતિ તો અત્યંત પ્રેમાળ-સમજદાર હતો. જિંદગીની કોઇ પણ ગોપનીય વાત તે તેના પતિને નિ:સંકોચપણે કરી શકતી.
એક દિવસ બન્યું એવું કે ક્રિષ્નાની કંપનીમાં સાથે કામ કરતાં એક નૃપેશ નામના પરિણિત સહકર્મચારીએ મોકો જોઇને ક્રિષ્નાને સીધું જ કહી દીધું કે ‘આઇ લાઇક યુ – હું મનોમન તમને ચાહું છું !’ ક્રિષ્ના તો બે મિનિટ માટે આ સાંભળીને સ્તબ્ધ થઇ ગઇ. પરંતુ વળતી જ ક્ષણે તેણે નૃપેશને કહી દીધું : ‘મિસ્ટર નૃપેશ, તમે સભાન કે અભાન અવસ્થામાં આ બોલી રહ્યા છો તે હું જાણતી નથી. પરંતુ મારા વર્તનને તમે પ્રેમમાં મૂલવાની ભૂલ ક્યારેય નહીં કરતા. મને મારા પતિ તથા મારા પરિવાર તરફથી અગાધ પ્રેમ મળે છે. મને બહાર પ્રેમ શોધવાની જરૂર નથી. તમે માર્ગ ભૂલેલા એક પથિક છો. હજી પણ સમય છે, તમે તમારા પરિવારને પ્રેમ કરો, હું ધારુ તો અત્યારે તમારું હડહડતું અપમાન કરી શકું છું, પરંતુ હું ઇચ્છતી નથી કે ઓફિસમાં તમારી બદનામી થાય… તમારે પણ એક પરિવાર છે…. તમારી આ નાદાનિયતને મારી સમજદારીથી હું ઢાંકી દઇશ પણ આજ પછી એટલું યાદ રાખજો જે આપણા સંબંધ માત્ર ઓફિશિયલ જ છે. નૃપેશ ક્રિષ્નાની પીઠને તાકી રહ્યો.
નૃપેશની આવી વર્તણૂકથી તે આજે બહુ જ અપસેટ હતી. સાંજે જતી વખતે તેની સહેલીએ તેને પૂછ્યું કે ક્રિષ્ના, આજ થયું છે શું ? તું ચૂપચાપ કેમ છે ? પરંતુ ક્રિષ્નાએ માથું દુખવાનું બહાનું કાઢી દીધું. તેના જીવનમાં આ ઘટના તો ઘણી વાર બની હતી છતાં આજ તે કેમ આટલી અપસેટ હતી ? કારણ એ જ કે તેના મનમાં થતું હતું કે આ વાત હું મુંજાલને કહું કે નહીં ? જો હું તેને કહીશ તો મારી સલામતી માટે તેને ક્યારેક ચિંતા થશે. શું તેઓ મારા પર ક્યારેય વહેમ તો નહીં કરે ને ? ફરી પાછું તેનું મન વિચારતું, શીટ મારા મુંજાલ માટે હું આવું કેમ વિચારી શકું ? જીવનના ક્યા તબક્કે એણે મને સાથ નથી આપ્યો ? મારે આવું વિચારવું ન જોઇએ. ઘરે જઇને તે રોજિંદા કામમાં લાગી ગઇ. આજ જમતી વખતે તે ગુમસૂમ હતી.
મુંજાલે પૂછ્યું : ‘કેમ મેડમ આજે બહુ થાકેલા છો કે શું ?’
‘નહીં…’
‘તબિયત સારી નથી ?’
‘ના, મારી તબિયતને વળી શું થવાનું હતું ?’
‘તો આજે બડબડ કેમ એકદમ બંધ છે… મને તો આજે જમવાનું નહીં પચે… જમણની સાથે બડબડ પીરસવામાં નહીં આવે તો હું તો ભૂખ્યો જ રહીશ…’
ક્રિષ્ના ફિક્કું હસી પડી.
ક્રિષ્નાએ માંડ બે દિવસ અવઢવમાં કાઢ્યા. અંદરથી તેને પોતાની જાત માટે ધિક્કાર થતો હતો. મુંજાલથી કંઇક છુપાવ્યાનો તેને રંજ થતો હતો. અંતે આજે તેણે રસ્તામાં જ દ્રઢ નિર્ધાર કરી લીધો. રાત્રે સૂતી વખતે તેણે મુંજાલને કહ્યું :
‘મુંજ, મારે તમને એક ખાસ વાત કહેવી છે. મુંજાલ તેના મજાકીયા સ્વરમાં બોલ્યો : ‘ફરમાવો મેડમ, સેવક સાંભળવા તૈયાર છે.’
ક્રિષ્નાએ ધીમે ધીમે ખિન્ન સ્વરે નૃપેશની વાત કહી નાખી. તેનું હૃદય જોરજોરથી ધડકી રહ્યું – મુંજાલના શું પ્રતિભાવ હશે ? મુંજાલે તેના માથા પર પ્રેમથી હાથ પસવાર્યો. મને ખાતરી હતી જ કે બે દિવસથી તું કંઇક અપસેટ છે, પરંતુ મને વિશ્વાસ હતો કે સમય આવ્યે તું મને જરૂર બતાવીશ. આમાં આટલું ટેન્શન લેવાની શું જરૂર છે ? તે નૃપેશને બરાબર જવાબ આપી દીધો. હવે તું એ બધું ભૂલી જા. શા માટે આટલી અપસેટ થઇને ફરે છે ? મને તારા પર પૂરેપૂરો ભરોસો છે.
ક્રિષ્નાના મન પરનો સો મણનો બોજો એક પળમાં હળવો થઇ ગયો. તેણે મુંજાલને પૂછ્યું :
‘મુંજ, મારી રહેણી-કરણી કે મારી બોલ-ચાલમાં હું ક્યાંય પાછી પડું છું ? શા માટે લોકો મારા માટે હંમેશા એવું માની લે છે કે હું તેના પ્રેમમાં છું. હું તો સારીયે સૃષ્ટિને પ્રેમ કરું છું… શું મારે મારામાં કોઇ પરિવર્તન લાવવાની જરૂર છે ?’
મુંજ બોલ્યો : ‘ક્રિશ, કેટલાક પુરુષો ભ્રમરવૃતિના હોય છે. આ તો આખા સમાજમાં ચાલતું હોય છે. કેટલીક સ્ત્રીઓ પણ એવી હોય છે કે તેઓને આવા આડાસંબંધોમાં રસ હોય છે. દોસ્તીના નામે આવા ગુલ ખીલવીને તેઓ કોઇપણ રીતે તેનો ફાયદો ઉઠાવે છે. તું બહું નિખાલસ છે, પ્રેમાળ છે, તારું વ્યક્તિત્વ જ એવું છે કે કોઇ પણ તારી પ્રતિભાથી અંજાઇ જાય છે. એમાં તારો કોઇ દોષ નથી. તારે મન પર ભાર રાખીને જીવવાની કોઇ જરૂર નથી. જેમ નાના બાળકની હાજરીથી ઘર નંદનવન બની જાય તેમ તારી હાજરીથી બધે મધુવન સર્જાય જાય છે. તારે કોઇ પરિવર્તનની જરૂર નથી. પરંતુ તારે તારામાં એટલો બદલાવ લાવવાની ખાસ જરૂર છે કે….
ક્રિષ્નાનું દિલ જોર જોરથી ધબકી રહ્યું. તેના ગરમ ગરમ શ્વાસ મુંજાલની છાતીને સ્પર્શી રહ્યા. તે વિસ્ફારિત આંખે મુંજાલની આંખોમાં જોઇ રહી.
મુંજાલે પ્રેમથી તેને નજીક ખેંચી અને આગળ બોલ્યો : ‘ક્રિશ, આટલી નાની વાતને મનમાં રાખીને બે દિવસ સુધી તું એકલી એકલી દુ:ખી થઇ તે વાત મને ન ગમી. ફરીવાર આવું ન કરીશ. બીજું, મને તારા પૈસાની જરૂર છે એવો અર્થ નહીં કરતી. હું ઘણું કમાઉં છું. પરંતુ આવી નાની-નાની વાતોથી હારીને નોકરી છોડાવવાની વાત કરીને તારું અપમાન કે તારા પર અવિશ્વાસ કરવા નથી માગતો. પરંતુ ક્યારેક મારી ગેરહાજરીમાં જીવનમાં આવી કોઇ બાબતોનો સામનો કરવાનો આવે તો તું એટલી મજબૂત બનજે કે મને ઉપર બેઠા બેઠા તારી ક્યારેય ચિંતા ના રહે કે મારી ક્રિશ આનો સામનો કરી શકશે કે નહીં. અને મારી ગેરહાજરીમાં પણ તું હંમેશા આવી સજીધજીને જ રહેજે.’
ક્રિષ્નાએ પોતાનો હાથ જોરથી મુંજાલના હોઠ પર મૂકી દીધો…. મુંજાલે તેને બાહુપાશમાં જકડી લીધી. તેની આંખમાંથી ટપકતા ગરમ ગરમ આંસુ મુંજાલની છાતીને ભીંજવી રહ્યા. આ આંસુ સુખના હતા, દુ:ખના હતા કે બે દિવસ મુંજાલ વિશે જે અનુમાન કર્યું તેના પસ્તાવાના હતા તે ખુદ સમજી ના શકી, ડીમ લાઇટના પ્રકાશમાં બે દિલ એકાકાર થઇ ગયા.
* * * * *
શિયાળાના ખુશનુમા દિવસો હતા. આજે શનિવાર હતો. ક્રિષ્ના અને મુંજાલને ઓફિસમાં રજા હતી. દીકરી મહેંકના આવવાની બંને રાહ જોઇ રહ્યા હતા. ડોરબેલ વાગી. લાઇટ પિન્ક કલરના ડ્રેસમાં મહેંક અતિ સુંદર લાગતી હતી. આવતાની સાથે જ મહેંકે કોલેજબેગ પલંગ પર ફંગોળી. રોજ કરતા આજ તેનો મૂડ આજ બંનેને અલગ લાગ્યો. થાકી ગઇ હશે, બસ-ટ્રેન નહીં મળ્યા હોય, બોરિંગ લેક્ચર હશે વગેરે અનુમાન મનમાં કર્યા અને પછી નિરાંતની પળોમાં બધા સાથે જમવા બેઠા. મહેંકને ચૂપચાપ જોઇને ક્રિષ્નાએ પૂછ્યું, ‘શું વાત છે આજ મારી દીકરીનો મૂડ કંઇ બરાબર લાગતો નથી ? જીનલ, લોપા, પ્રિયા કોની સાથે ઝઘડા થઇ ગયા ?’
મમ્મી, ચૂપ રે… મારે કંઇ રોજ કોઇ સાથે ઝઘડા થતા નથી. એ તો લોપા વધારે પડતો એટીટ્યુટ દેખાડતી હતી ને એટલે અમારે તેને સીધી કરવી પડી… ફરી મૌન. હવે મુંજાલે પણ કંઇક કંઇક મજાક કરી પણ મહેંક અપસેટ હતી. આખરે જમીને બપોરના વિશ્રામની તૈયારી કરવા લાગ્યા. આખરે પલંગમાં આડા પડ્યા પડ્યા મહેંકે સીધું જ કહી દીધું કે મમ્મી-ડેડી, મારા વિશે તમે કંઇ આડુ અવળું વિચારશો નહીં. આજે મારા ક્લાસના મીતે મને ‘પ્રપોઝ’ કર્યું તેથી હું અપસેટ હતી. પણ આપણા ઘરમાં ફ્રી વાતાવરણ છે તેથી હું તમને બંનેને આ વાત કહી શકું છું. મને આવા કોઇ ‘પ્રેમ-બેમ’ માં રસ નથી. પરંતુ મીત એક સંસ્કારી ઘરનો છોકરો છે અને મેં તેને સમજાવ્યું છે કે દરેક સંબંધ ‘પ્રેમી’ તરીકે મૂલવવો જરૂરી નથી. આપણે એક સારા દોસ્ત પણ બની શકીએ છીએ. ક્રિષ્નાને મહેંકમાં પોતાનો પડછાયો દેખાયો. આબેહૂબ પિન્ક કલરનો ડ્રેસ પહેરેલી પોતાની પ્રતિકૃતિ પોતાની બાજુમાં હતી. ક્રિષ્ના અને મુંજાલ ખડખડાટ હસી પડ્યા. યુગો યુગોથી ચાલી આવતી પ્રેમની આ પરંપરાને કોણ તોડી શકશે ? પ્રેમ દરેક મનુષ્યનો પ્રકૃતિગત સ્વભાવ છે.
- મિસીસ સગુણા દવે
You can leave a response, or trackback from your own site.



2 Responses to this article
સરસ વાર્તા
mast story 6. kharekhar