દાદીમા, હું એવું કરીશ કે પરલોકમાં તમે યાદ કરશો (કભી કભી) – દેવેન્દ્ર પટેલ 08/07/12

t માનો જન્મ એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. આજના સમયે ઘરમાં કોઈ બાળકી જન્મે છે ત્યારે પરિવારમાં બહુ ખુશી થતી નથી. સીમાના ઘરમાં પણ એવું જ હતું, પરંતુ તે જેમ જેમ ...


t


માનો જન્મ એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. આજના સમયે ઘરમાં કોઈ બાળકી જન્મે છે ત્યારે પરિવારમાં બહુ ખુશી થતી નથી. સીમાના ઘરમાં પણ એવું જ હતું, પરંતુ તે જેમ જેમ મોટી થવા લાગી એટલે તે બધાં કરતાં જુદી જ લાગવા માંડી. તે સાહસિક હતી. તે બચપણથી જ બીજાઓ કરતાં કાંઈક અલગ કરી બતાવવા માંગતી હતી.

સીમા પછી તેના નાના ભાઈ ઉદભવનો જન્મ થયો. સીમાના જન્મ વખતે જે માયુસી હતી તે હવે દૂર થઈ ગઈ. સીમાના દાદીમાં જે સીમાના જન્મ વખતે ઝાઝા ખુશ નહોતા તે ઉદભવના જન્મ પછી બહુ જ ખુશ થઈ ગયાં. સીમાને વારંવાર તે છોકરી છે તેવો અહેસાસ કરાવવામાં આવતો. સીમાના દાદીમા કહેતાં : ”છોકરી તો પારકું ધન કહેવાય. સીમાના લગ્ન વખતે ચારથી પાંચ લાખ રૂપિયા ખર્ચાઈ જશે.”

સીમાનો નાનો ભાઈ ઉદભવ તોફાની હતો, જ્યારે સીમા ભણવામાં ગંભીર હતી. સીમા તેના નાના ભાઈને પણ ભણવામાં ધ્યાન આપવા સમજાવતી. ઉદભવ તોફાની હોવા છતાં ઘરમાં બધાનો વહાલો હતો. સીમાને સ્કૂલમાં એક સહેલી હતી- ગરીમા. ગરીમા એક પોલીસ અધિકારીની પુત્રી હતી. સ્કૂલમાં તેનો રૂઆબ હતો. ગરીમા રૂપાળી હતી. બધી સખીઓ ભેગી થાય એટલે દરેક છોકરી પોતપોતાના સ્વપ્નોની વાત કરતી. ગરીમા કહેતીઃ ”સીમા, હું મોડેલ બનવા માંગુ છું. તું પણ ઝાઝું ભણવાનું છોડ અને મોડેલિંગ માટે તૈયાર થઈ જા.”
૧૨મું ધોરણ પસાર થઈ ગયું. બધી સખીઓ એક બીજાથી છૂટી પડી ગઈ. દરેક સખીઓ જુદી જુદી વિદ્યાશાખાઓમાં ગઈ. સીમાએ દિલ્હીમાં પત્રકારત્વનો કોર્સ કરવા પ્રવેશ લીધો. તે એમ માનતી હતી કે મીડિયામાં જવાથી પબ્લિક લાઈફમાં પડેલી વ્યક્તિઓને મળી શકાશે. રાજકારણને નજીકથી જોવાની તક મળશે. વળી અનેક સ્થળોએ જઈ ફિલ્ડ વર્ક કરી શકાશે. પત્રકારત્વમાં થ્રીલ અને સાહસ છે તેથી જિંદગીને રોચક અને અર્થપૂર્ણ બનાવી શકાશે.


વિવેકને ભણવામાં ઝાઝો રસ ન હોતો. માત્ર ડિગ્રી લેવા જ ભણતો હતો. તે સુખી પરિવારનું ફરજંદ હતો. રોજ અવનવા સ્ટાઈલીશ વસ્ત્રો પહેરીને આવતો હતો. કેન્ટીનમાં સાથે ભણતી છોકરીઓને ટ્રીટ કરતો હતો. છોકરીઓ પણ વિવેકની આસપાસ જ ઘુમતી રહેતી. વિવેકની સ્ટાઈલ એક રહીશજાદા જેવી હતી. વિવેક સાથે એક માત્ર સીમા જ ભળતી નહોતી. વિવેકને તેનો રંજ હતો. વિવેકને લાગતું હતું કે સીમા તેનાથી દૂર રહીને તેના અહમ્ પર ઘા કરી રહી છે. એક વાર વિવેકે સીમાને પૂછી જ નાંખ્યું: ”તને મારામાં રસ નથી ?”


પત્રકારત્વનો અભ્યાસ પૂરો થઈ ગયો. ફરી સહુ કોઈ છૂટાં પડી ગયાં. સીમાને એક પ્રાંતિય અખબારમાં નોકરી મળી ગઈ. એણે પોતાના ઘર- ગામથી દૂરના શહેર આગ્રામાં નોકરી શરૂ કરી. હજી તેને કોઈ ટેલિવિઝન ન્યૂઝ ચેનલમાં કામ કરવું હતું. સીમા હજુ ’દિનભર’ નામના હિન્દી અખબારમાં સંશોધનાત્મક પત્રકાર તરીકે કામ કરતી હતી. એ ચીલા ચાલુ રિપોર્ટિગ કરવા માંગતી નહોતી. રોજ સાંજે પોલીસ જે સ્ટોરી બ્રીફ કરે તેમાં તેને રસ નહોતો. પોલીસ જે જાણે છે છતાં એ બાબતમાં કાંઈ નથી કરતી એવી ક્રાઈમ સ્ટોરીઝ શોધવામાં તેને રસ હતો. સીમાએ તેના સ્ત્રોત મજબૂત બનાવવા શહેરના અંડરવર્લ્ડના માણસો સાથે મૈત્રી કેળવી. ધીમે ધીમે શહેરમાં કયાં અનૈતિક કામો થાય છે, ક્યાં ડુપ્લિકેટ શરાબ બને છે, ક્યાં લોહીનો વેપાર થાય છે તે શોધવામાં રસ હતો. એક દિવસ સીમાને માહિતી મળીકે જૂના બજારની એક ગલીની દુકાનમાં રોજ રાતના સમયે ડ્રગ્સ વેચાય છે. શહેરના ડ્રગ્સમાફિયાઓનો આ મોટામાં મોટો અડ્ડો હતો. તેની પાછળના જર્જરિત મકાનમાંથી જ માલ આવતો હતો. આ કામમાં કેટલાક શક્તિશાળી દબંગ લોકો પણ સંડોવાયેલા હતા.


બીજા જ દિવસે સીમાએ શહેરના જૂના બજારની ગલીના જર્જરિત મકાનમાં ચાલતા ડ્રગ્સના ધંધા અને ડ્રગ્સમાફિયાઓ પર સનસનાટીપૂર્ણ સ્ટોરી લખી નાંખી આ સ્ટોરી છપાતાં જ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો. પોલીસ દોડતી થઈ ગઈ. ડ્રગ્સ માફિયાઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા. ઠેરઠેર દરોડા પાડવામાં આવ્યા. આ સ્ટોરીના કારણે સીમાને સમાજમાંથી પ્રશંસા મળી. ન્યૂઝ સ્ટોરી સીમાના નામ સાથે જ છપાઈ હતી. સીમાને બઢતી પણ આપવામાં આવી. થોડા દિવસો બાદ સીમાને એક ન્યૂઝ ચેનલ તરફથી નોકરીની ઓફર આવી. સીમાએ હવે ટીવી ન્યૂઝ ચેનલ માટે કામ કરવા માંડયું. એક પછી એક એમ અંડરવર્લ્ડની સ્ટોરીઝ પર તે કામ કરતી ગઈ. તેણે સ્ત્રીઓ પરના અત્યાચારથી માંડીને આપઘાતમાં ખપાવી દેવામાં આવેલી સ્ત્રીઓની હત્યાની સ્ટોરીઝ પર પણ પ્રકાશ ફેંકવા માંડયો. સીમાને મહિલાઓના ઉત્થાન અને પુરુષ પ્રધાન સમાજની દાદાગીરી દૂર કરવામાં રસ હતો. પત્રકારત્વમાં તે એટલી બધી વ્યસ્ત થઈ ગઈ કે એ તેના ઘેર પણ ઓછું જતી. તે એકલી જ રહેતી હતી.

ટીવી ચેનલ પર તે અવારનવાર આવતી હોઈ તેનો ચહેરો પણ હવે જાણીતો બની ગયો હતો. સીમાએ હવે પોતાનું એક્ટિવા પણ ખરીદી લીધું હતું. ઘણીવાર રાતના ૧૨ વાગે પણ તે એકલી જ જતી. એવી જ રીતે એક રાત્રે તે તેનું કામ પતાવી ઘેર જઈ રહી હતી ત્યારે સૂમસામ રસ્તા પર એક મોટરકાર તેની બરાબર સામે આવીને ઊભી રહી. આંખો અંજાઈ જતાં સીમાએ એક્ટિવા થોભાવી દીધું. અંદરથી કેટલાક દબંગ યુવાનો બહાર આવ્યા. સીમા કાંઈ બોલે તે પહેલા જ એક યુવાને સીમાની છાતી સામે જ રિવોલ્વર ધરીને પોઈન્ટ બ્લેન્ક ગોળી છોડી. ઉપરાઉપરી ત્રણ ધડાકા થયા. સીમા ત્યાં જ ઢળી ગઈ. ગોળીબાર કરનારા લોકો સીમાના મૃતદેહને ત્યાં જ પડયો રહેવા દઈ ગાડીમાં બેસી ભાગી ગયા.

You can leave a response, or trackback from your own site.

One Responses to this article

 
jal August 9, 2012 Reply

મને ખૂબ જ ગમે આ વાર્તા….

Leave a Reply

close comment popup

Leave A Reply

Copyright | Disclaimer

Developed by Soft 'N' Web

Powered By Indic IME